નારાજગીનો એટલે વિસ્તાર થઈ ગયો
સાચી છબી ના ઉમ્રભર મારી જડી મને.
2.
શું બાદ, શું વત્તા કરું નક્કી કરો !
ખાલી જગામાં શું ભરું, નક્કી કરો !
કઈ હદ પછી, અનહદ ગણી લેશો મને ?
હું કેટલો, ક્યાં વિસ્તરું નક્કી કરો !
મારા ગળે ક્યાં કોઈ વળગણ છે હવે ?
શું કામ, પાછો અવતરું નક્કી કરો !
તડકા વગર પણ સૂર્ય સદ્ધર હોય છે
સંધ્યા, ઉષા, શું ચીતરું, નક્કી કરો !
આવી જશે ક્યારેક એ પણ કામમાં
ક્યા સર્પને, ક્યાં સંઘરું, નક્કી કરો !
નક્કર ગણો છો એટલી નક્કર નથી
કઈ ભીંત, ક્યાંથી ખોતરું, નક્કી કરો !
કોણે કહ્યું કે શબ્દ કૌવતહીન છે ?
ક્યો પાળિયો બેઠો કરું, નક્કી કરો !
3.
ક્યાં બધે દિલથી જીવાતું હોય છે,
એટલે કાયમ થકાતું હોય છે.
તાપ ભાદરવાનો વરસે તીર થઈ,
ને ઝરણ ભોળું ઘવાતું હોય છે.
એક ખુલ્લી પાઠશાળા છે જીવન,
કંઈ ને કંઈ હર પળ ભણાતું હોય છે.
કાયમી કોઈ દશા હોતી નથી,
બે-ઘડી ધુમ્મસ છવાતું હોય છે.
સૌ ફરે છે આમ તો દેશાવરો,
તોય ઘરને ક્યાં વટાતું હોય છે !
એનાથીયે દૂર યા એની તરફ,
મન કશે અવિરત તણાતું હોય છે.